ફેન્સી ડ્રેસ

ઉદયન ઠક્કર

ચાળીસ વર્ષ પછી અમે શાળાના મિત્રો મળ્યા,
ફેન્સી ડ્રેસ પાર્ટીમાં.
કોઈ મિયાં ફુસકી બનેલો,કોઈ તભા ભટ્ટ
નટુ હેડમાસ્તર,સુજાતા સિન્ડ્રેલા.
હું બનેલો ખૂંધિયો રાક્ષસ.
ઝાઝો મેક અપ નહોતો કરવો પડ્યો જોકે.

“યાદ છે પેલો બાથરૂમ ? પહેલે માળ?
દીવાલ પર લીટી દોરેલી ને લખેલું :
તમારો ફુવારો અહીં સુધી પહોંચે તો બંબાવાળા બનો ”
“અને નટુ ! માસ્તરે કેવો તતડાવેલો:ચોપડી કોરી કેમ ?
તો કહે:સર, તમે પાટિયા પર લખ્યું, મેં ચોપડીમાં લખ્યું.
પછી તમે પાટિયું ભુંસી નાંખ્યું —–”

નટુ કોકાકોલાની બાટલી દાંતથી ખોલતો
આજે હસવા જાય તો ડેંચર બહાર આવે છે.
દુષ્યંત આંક અને પલાખાં કડકડાટ બોલતો
હવે પોતાનું નામ પણ યાદ નથી.
સુજાતા સ્મિત કરે ને શરણાઈઓ ગૂંજતી
હજી કુંવારી જ છે.
હર્ષ તો હાઇજમ્પ ચેમ્પિયન !
નવમે માળેથી કૂદ્યો.
મેનકા બ્લાઉસ પર પતંગિયાનો બ્રોચ પહેરતી
હવે એને એક જ સ્તન છે.

બાર વાગ્યા સુધી ચાલી અમારી ફેન્સી ડ્રેસ પાર્ટી
થોડી પળો સુધી
અમે બાળપણ પહેરીને
મરણને છેતર્યું

To read this poem in English:

AKSHRA
error: Content is protected !!